વેલેન્ટાઇન્સ ડે એટલે સિંગલ્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક!’

img 8318

એક સિંગલની આત્મકથા: આ દુનિયામાં બે પ્રકારના લોકો સુખી છે: એક, જે પરણી ગયા છે (એવું એમને લાગે છે!) અને બીજા, જેઓ પ્રેમમાં છે. પણ ત્રીજો એક એવો વર્ગ છે જે બિચારો ‘સિંગલ’ છે અને આ કપલ્સના માયાવી જગતમાં એનું સ્ટેટસ કોઈ પ્રાચીન અભિશાપ જેવું લાગે છે.

બનાવનારે જાણે કેલેન્ડર બનાવતી વખતે કયા મુહૂર્તમાં આ ફેબુઆરી મહિનો ઘુસાડ્યો હશે? આ 28-29 દિવસનો ટૂંકો મહિનો લાગે છે નાનો, પણ સિંગલ માણસ માટે તો યુગો જેવો લાંબો થઈ જાય છે! એમાંય પેલી 14મી તારીખ! સાચું કહું તો મને એ તારીખ કોઈ ‘ચૌદશિયા’ના ભૂતની જેમ પજવતી હોય – poke કરતી હોય એવું લાગે છે. હજી તો જાન્યુઆરી પૂરો નથી થતો ત્યાં તો હવામાં ગુલાબની પાંખડીઓ અને ટેડી બેરની રુંવાટીઓ ઉડવા માંડે છે.

આ સમયગાળામાં સિંગલપણાનો ગુસ્સો એવો સાતમા આસમાને હોય છે કે વોટ્સએપ પર કોઈ ભૂલેચૂકે ય મેસેજના રિપ્લાયમાં પેલું ‘રેડ હાર્ટ’ ઇમોજી મોકલે ને, તો એવું મન થાય કે એવા જ લાલ રંગની એક પાકી ઈંટ અહીંથી છૂટ્ટી મારું!

ભાઈ, લાલ રંગ તો જોખમની નિશાની છે, તો આ લોકો એને પ્રેમ સાથે કેમ જોડે છે? જ્યારે તમારું કોઈ નથી હોતું ત્યારે આ ‘લાલ દિલ’ તમારો પ્રેમ નહીં, પણ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. અરે, ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ થાય તોય અમને એવું લાગે છે કે આ સિગ્નલ પણ અમને ‘વેલેન્ટાઈન ડે’ની યાદ અપાવીને ચીડવે છે!
અમુક નમૂનાઓની પરપીડનવૃત્તિની તો વાત જ ન કરો! દરેક વેલેન્ટાઈન પર આખું ગામ, સોસાયટીના રહીશો અને ઓફિસના કલીગ્સ જાણતા હોય કે આ ભાઈ એકલા અટૂલા અને સાવ નવરા છે, છતાં અમુક નમૂનાઓ મજા લેવા માટે તાકીદે પૂછશે: ‘કેમ ભાઈ, વેલેન્ટાઈન પર શું પ્લાન છે?’ અરે ભાઈ, મારો પ્લાન શું હોય? ઘરે બેસીને મમ્મીના હાથની ખીચડી ખાવી ને નેટફ્લિક્સ પર કોઈ ક્રાઈમ થ્રિલર જોઈને ટાઈમપાસ કરીશ કારણ કે રોમેન્ટિક ફિલ્મના સેકશન માં ક્લિક કરું તો મધપૂડાને છંછેડયાનો અહેસાસ થાય! બાપ રે એ દુઃખ નઈ વેઠાય હં!
ખબર નહીં કેમ, લોકોને આવી સળગતી પૂંછડીએ આગ લગાવવામાં શું મજા આવતી હશે? આવા લોકોને તો મારે ખાસ કહેવું છે કે – ‘બહુ પંચાત ના કર ભાઈ, તારી વેલેન્ટાઈનને તારો જ કોઈ ખાસ દોસ્ત ટેડી આપી જાય અને એ હરખાઈને સ્વીકારી પણ લે ત્યારે મને કહેવા આવજે કે તારો શું પ્લાન છે!’ ત્યારે તારું ‘ટેડી’ જેવું મોઢું જોવા હું ખાસ આવીશ.
અચ્છા બીજી વાત, એક સામાજિક સેવા. અમારા જેવા સિંગલિયાઓની સૌથી મોટી ટ્રેજેડી જો કોઈ હોય તો એ છે અમારું ‘ઈમોશનલ ડસ્ટબિન’ તરીકેનું કામ. અમે ‘દિલતૂટેલી ગર્લ્સ’ માટે મફતના ખભા છીએ. બ્રેકઅપ બીજા જોડે કરે, ઝઘડો ત્રીજા જોડે કરે અને દિલની બધી ભડાશ અમારી સામે કાઢે! આપણે પાછા એવા ઉદાર કે પોતાના મહત્ત્વના કોલ્સ ‘બિઝી’ આવતા હોય તોય સાઈડમાં મૂકીને એમના કલાકો સુધી ચાલતા દુઃખડા સાંભળીએ કોલેજ કે ઓફિસ પતાવીને થાક્યા-પાક્યા હોઈએ તોય એ ફોન કરીને કહે કે ‘યાર, આજે બહુ મૂડ ખરાબ છે, મળવું છે,’ એટલે આપણે તો અડધી રોટલીએ દાળ લેવા દોડી જઈએ!

અમારા ભોળા મનમાં એમ કે, ‘ચાલો, હવે ગંગા નાહ્યા! અત્યાર સુધી એને કોઈએ લૂંટી હતી, હવે કદાચ આપણે એના જીવનમાં વસંત લાવીશું!’ આપણને લાગે કે આટલો ટાઈમ આપે છે એટલે કંઈક તો સીન હશે જ ને! પણ છેલ્લે જ્યારે એ એમ કહે કે, ‘તુમ કિતને અચ્છે હો, કાશ ઉસમેં ભી તુમ્હારી જૈસી સમજદારી હોતી!’ ત્યારે ખબર પડે કે આપણે તો ફક્ત એક ‘ખભો’ છીએ જેનો ઉપયોગ રડવા માટે થયો હતો. પેલી તો રડીને હળવી થઈ જાય અને આપણે એના આંસુથી પલળેલો ‘ખભો’ લઈને બીજા વેલેન્ટાઈન સુધી સિંગલ જ રહી જઈ! આને કહેવાય ‘ખભાની ખેતી’, જેમાં મહેનત આપણી અને પાક બીજાનો!

સિંગલ હોવાના ફાયદા (મન મનાવવા માટે!)
જોકે, સિંગલ હોવાના ફાયદા પણ કંઈ ઓછા નથી. અમારે કોઈને ‘બાબુ, શોના, જાનુ’ કહીને ખોટું બોલવું પડતું નથી. અમારે કોઈના ફેમિલી ફંક્શનમાં ‘સાંઢ’ની જેમ ઊભા રહેવું પડતું નથી 14મી તારીખે ગિફ્ટ પાછળ જે હજારો રૂપિયાનો ધુમાડો થાય છે, એ બચેલા પૈસામાંથી અમે મસ્ત પનીર ટીક્કા ખાઈ શકીએ છીએ. દુનિયા ભલે કહેતી હોય કે સિંગલ રહેવું એ અભિશાપ છે, પણ મારા મતે તો એ એક ‘લક્ઝરી’ છે, જે દરેકને પરવડતી નથી!

નિષ્કર્ષ: આ જગતમાં કપલ્સ તો ઘણા મળશે, પણ અમારા જેવો પ્યોર, સદા સર્વદા ‘સિંગલ’ નમૂનો શોધ્યો નહીં જડે. એટલે જ, આ ફેબુઆરીમાં ભલે દુનિયા ગુલાબી થાય, અમે તો કેસરીયા મિજાજમાં જ રહીશું.
તારીખ ૧૪ આવે કે ૧૫, અમારે મન તો બધી ‘ચૌદશ’ જ છે. એટલે ભાઈઓ અને બહેનો, જો તમે પણ સિંગલ હો તો ગભરાશો નહીં, આ લેખ વાંચો અને હસી લો કારણ કે, પ્રેમમાં પડેલા લોકો કદાચ કવિતા લખશે, પણ આપણા જેવા સિંગલ લોકો જ આવા જોરદાર આર્ટિકલ લખી શકશે!

એ જ લિ. 
એકલો અટૂલો સિંગલ


Discover more from RJ ViSHAL

Subscribe to get the latest posts sent to your email.

Related Posts

Leave a Reply

Discover more from RJ ViSHAL

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading