દર વર્ષે ૮મી માર્ચ આવે એટલે સોશિયલ મીડિયા પર ‘હેપ્પી વુમન્સ ડે’ ના મેસેજોનું પૂર આવે. વોટ્સએપના સ્ટેટસમાં ફૂલો અને વખાણની ઝડીઓ વરસે. પણ ખરેખર જોવા જઈએ તો સ્ત્રી એટલે ઈશ્વરનું એવું સર્જન જેની પાસે લોજિક પણ છે અને મેજિક પણ! આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે “ઘરની શોભા નારીથી”, પણ આજકાલ તો એમ કહેવું પડે કે “ઘરનું આખું મેનેજમેન્ટ નારીથી!” ચાલો, આ મહિલા દિવસે સ્ત્રીઓના એવા પાસાઓ વિશે વાત કરીએ જે આપણને હસાવશે પણ ખરા અને વિચારતા પણ કરી દેશે.
ગૂગલ મેપ્સ તો રસ્તો પણ ભુલાવે, પણ મમ્મીની નજર તો ખોવાયેલા મોજાની જોડી પણ પાતાળમાંથી શોધી લાવે! ત્યારે વિઠ્ઠલભાઈ એટલે કે પપ્પા ની આંખોમાં રિસ્પેક્ટ હોય કે ચેતના! તે આટલું ઝડપી કેવી રીતે શોધી લીધું! સાચું પૂછો તો ઘરમાં જ્યારે કોઈ વસ્તુ ના મળે ત્યારે મમ્મી કે પત્ની સિવાય બીજું કોઈ ‘નેવિગેશન’ કામ નથી આવતું.

પુરુષો આખું ઘર માથે લે, કબાટો ફેંદી નાખે, સોફા ઊંચા કરી નાખે તોય ટીવીનું રિમોટ કે મોજાની જોડી નથી મળતી. પણ જેવી ઘરની નારી મેદાનમાં આવે અને એક નજર ફેરવે, ત્યાં તો જાદુની જેમ ખોવાયેલી સોય પણ સેકન્ડોમાં હાજર! સ્ત્રીઓ પાસે એવી અદભૂત નજર હોય છે કે એમને ખબર હોય છે કે કઈ વસ્તુ કયા ખૂણામાં દબાયેલી પડી છે. એટલે જ કહેવાય છે ને કે “મા વગર સુનો કંસાર”, કારણ કે મા વગર તો આપણને આપણા રૂમાલ પણ નથી મળતા!
સ્ત્રીઓનું મલ્ટીટાસ્કિંગ એટલે વઘારની સુગંધ, ઓફિસની ફાઈલ અને પડોશીની પંચાત… બધું જ એકસાથે ‘અપ ટુ ડેટ’! મલ્ટીટાસ્કિંગનો જીવતો જાગતો એવોર્ડ! તમે ક્યારેય કોઈ સ્ત્રીને રસોડામાં જોઈ છે? એક હાથમાં વેલણ ચાલતું હોય, બીજા હાથે મોબાઈલ પકડીને સાસુમા/મમ્મી કે સહેલી સાથે વાતો થતી હોય, ખભા અને કાનની વચ્ચે ઓફિસનો ઈમ્પોર્ટન્ટ કોલ દબાયેલો હોય ‘સ્મિતા આજે સાંજે મળીએ અને શિવાની ને લેતી આવજે હં’ અને આ બધાની વચ્ચે પણ દાળમાં મીઠું કે મરચું ક્યારેય આઘું-પાછું ના થાય! આને કહેવાય અસલી ‘મલ્ટીટાસ્કિંગ’. કોઈ પણ યુનિવર્સિટીમાં આવું મેનેજમેન્ટ શીખવવામાં આવતું નથી. આ તો એમની અંદર પડેલો ‘સુપરપાવર’ છે. આવી ટેલેન્ટ માટે તો ઓસ્કાર કે નોબેલ પ્રાઈઝ પણ ટૂંકા પડે!
આજકાલ લોકો માનસિક શાંતિ માટે હિમાલય જાય છે કે ધ્યાન ધરે છે. પણ જો તમારે કોઈ સ્ત્રીને એકદમ ખુશ અને તણાવમુક્ત જોવી હોય, તો એમને કોઈ મોલની બહાર ‘૫૦% સેલ’ નું પાટિયું બતાવી દો. એ પાટિયું જોતા જ જે અગમ્ય શાંતિ અને સ્ફૂર્તિ જ્યોત્સ્નાબેન ના ચહેરા પર આવે છે, એવી તો ઋષિમુનિઓને સમાધિમાં પણ નહીં મળતી હોય! પાંચસો રૂપિયાની વસ્તુમાં બસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરાવીને જે વિજયનો આનંદ એમના ચહેરા પર હોય છે, એ જાણે કોઈ ગઢ જીતી આવ્યા હોય તેવો હોય છે. ગુજરાતીમાં કહેવાય છે ને કે “લોભે લક્ષ્મી જાય”, પણ સ્ત્રીઓ માટે તો “સેલ હોય ત્યાં જ લક્ષ્મી જાય!” શોપિંગ ઈઝ અલ્ટિમેટ ‘મેડિટેશન’!!
દુનિયાની કોઈ પણ ડિક્શનરીમાં ‘૫ મિનિટ’ એટલે ૩૦૦ સેકન્ડ થાય, પણ જ્યારે કોઈ સ્ત્રી તૈયાર થતી વખતે એમ કહે કે “બસ, ૫ મિનિટમાં આવું છું,” એ એક મીઠો ભ્રમ છે! ત્યારે સમજી લેવું કે આપણે આખી વેબસિરીઝ કે આખી T20 મેચ જોઈ નાખીએ તો પણ વાંધો નથી. લિપસ્ટિકનો શેડ મેચ કરવો, વાળની લટ સરખી કરવી અને અરીસા સામે ઊભા રહીને ‘હું કેવી લાગુ છું?’ એવો યક્ષપ્રશ્ન વિચારવો, આમાં સમયનું ભાન તો બ્રહ્માજીને પણ ના રહે! આ ૫ મિનિટ એટલે અનંતકાળનો ટૂંકો રસ્તો છે, જેમાં માત્ર ધીરજ જ કામ આવે.
બ્રહ્માંડમાં ભલે ગમે તેટલા તારા હોય, પણ સ્ત્રીના પર્સ જેવું રહસ્યમય બીજું કાંઈ નથી! સ્ત્રીઓના હેન્ડબેગ વિશે તો સંશોધન થવું જોઈએ. કે આ પર્સ છે કે મેજિકલ બ્લેકહોલ! એ નાનકડા પર્સમાં દુનિયાભરની વસ્તુઓ સમાઈ જાય છે. ફોન, એરપોડ્સ, સેફ્ટી પિન, સેનિટાઈઝર, મેકઅપની કિટ, બાળકોના રમકડાં, ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ અને આખી ફાર્મસી! જો કદાચ એલિયન્સ પૃથ્વી પર હુમલો કરે કે આપણે મંગળ ગ્રહ પર જવાનું થાય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ સ્ત્રીના પર્સમાંથી કંઈક ને કંઈક તો ઉપયોગી નીકળી જ આવશે જે આપણો જીવ બચાવી શકે.
ચાર રસ્તે ઊભેલી પાણી પુરી ની લારી જોવાઈ નથી ને ડાયેટિંગ નું ભૂત એક સેકંડ માં સ્વાહા થયું નથી! સોમવારથી શરૂ થયેલું ડાયેટિંગ અને “હવે તો હું જરાય તેલવાળું નહીં ખાઉં” એવા રિઝોલ્યુશન્સ ગમે તેટલા મજબૂત હોય, પણ રસ્તા પર પાણીપુરીની લારી દેખાય એટલે ડાયેટિંગ નો કડક નિર્ણય આસાનીથી ગંગાજીમાં પધારાઈ દેવામાં આવે છે. ફરવા નિકળેલા અંજુબેન, નાની દુર્વા સાથે ટહુકે કે “ભૈયા, એક પ્લેટ જ્યાદા તીખી બનાના” અને છેલ્લે મળતી ‘સૂકી પૂરી’ નો જે આનંદ છે, એની સામે ડાયેટિંગના ચાર્ટ તો પાણી ભરે!
૮મી માર્ચના દિવસે ઓફિસમાં ફૂલો અપાય અને ઘરમાં કહેવાય કે “આજે તું આરામ કર, બધું અમે કરીશું.” પણ સાચું કહેજો, એ એક દિવસના આરામ પછી બીજા દિવસે જે કામનો પહાડ ખડકાયેલો હોય છે, એ કોણ પતાવે છે? છેવટે તો એ જ ‘સુપરવુમન’ મેદાનમાં આવે છે. એટલે જ આ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પણ એમના રોજિંદા સંઘર્ષ અને સ્મિતને સલામ કરવાનો દિવસ છે.
ઈશ્વરે પુરુષ બનાવ્યો, પણ એ પુરુષને એનો રૂમાલ ક્યાં છે એ કહેવા માટે ‘સ્ત્રી’ બનાવી! લેખના અંતે એટલું જ કહીશ કે ભલે આપણે એમના સ્વભાવ પર થોડી મજાક કરી લઈએ, પણ કડવું સત્ય એ છે કે જો સવારે ઘરમાં “મમ્મી, મારી વસ્તુ ક્યાં છે?” કે “અરે પ્રીતિ, મારો રૂમાલ નથી મળતો!” એવા અવાજ ના સંભળાય, તો આખું ઘર પાટા પરથી ઉતરી જાય. સ્ત્રી એ ઘરની ધરી છે. જો એ ધરી મજબૂત હોય તો જ સંસારનું ગાડું બરાબર ચાલે. જેમ ગામડામાં કહેવાય છે ને કે “ઘરની વહુ, આખા ગામની આબરૂ”, એમ જ સ્ત્રી એ માત્ર શક્તિ નથી, પણ એ સ્નેહ અને સહનશીલતાની મૂર્તિ છે.
તો ચાલો, આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સ્ત્રીત્વના અનોખા મિજાજ અને એમના ગૌરવશાળી અસ્તિત્વને દિલથી વંદન કરીએ. આ ખાસ દિવસ તમે કેવી રીતે ઉજવ્યો? તમારી એ સુંદર પળો મારી સાથે ઇન્સ્ટાગ્રામ @rjvishal પર જરૂર શેર કરજો!
બધી જ ‘સુપરવુમન’ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
+++++
Discover more from RJ ViSHAL
Subscribe to get the latest posts sent to your email.
